ભારાપર (ભુજ) મધ્યે ધ્વજ વણજ યજ્ઞનું આયોજન.
સમાજ ઉત્કર્ષ: ભુજ તાલુકાનાં ભારાપર ગામ મધ્યે વ્રતધારી શ્રી મગનભાઈ માલશીભાઈ આયડી દ્વારા સવંત ૨૦૭૩, આસો સુદ ચોથનાં સ્થાપિત છ માસિક વ્રતની સવંત ૨૦૭૪, ચૈત્ર સુદ ચોથ તા.૨૦.૦૩.૨૦૧૮નાં રોજ પુર્ણાહૂતી નિમિતે સર્વે જીવોનાં કલ્યાણ અર્થે ધ્વજ વણજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વણજ યજ્ઞનું પ્રારંભ ચૈત્ર સુદ ત્રીજ, તા.૧૯.૦૩.૨૦૧૮નાં રોજ પીરશ્રી નારાણદેવ લાલણનાં હસ્તે ધર્મધ્વજ સ્થંભનું રોપણ કરી કરવામાં આવ્યું હતું અને રાત્રે જ્ઞાનવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધર્મગુરુઓ સર્વેશ્રી પચાણ આતુ માડે (છસરા), માતંગ પુંજાભાઈ ભાગવંત, માતંગ હમીરભાઈ મેઘાણી, માતંગ પ્રતાપ મતિયા, માતંગ હીરજી પેરાજ વગેરેએ માતંગશાસ્ત્ર આધારિત વેદોનું કથન કર્યું હતું અને બારમતીપંથમાં વિવિધ યજ્ઞોનું મહિમા વર્ણવ્યું હતું.
આ યજ્ઞાનાં બીજા દિવસે ભારાપર ગામથી ગણેશધામ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેઘવાળ સમાજનાં મહેશ્વરી, મારવાડા, ચારણ તેમજ ગુર્જર સમાજનાં ધર્મગુરુઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં પીરશ્રી નારાણદેવ લાલણની સવારી પાછળ વ્રતધારી દંપતિ અને ધર્મગુરુઓ દ્વારા વેદ ઉચ્ચારણ, ડી.જે.નાં સથવારે ધાર્મિક ગીતો પર રાસ રમઝટ સહિતનાં આયોજને આકર્ષણ જમાવ્યું હતું. ત્યાર બાદ ગણેશ મંદિર ખાતે વણજયજ્ઞ માટે નોતરેલા બરાયાના ઉજારી મંજીવાળા ગણેશદેવને બિરાજમાન કરી યોજાયેલા હિંડોળા દર્શનથી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ત્યાર બાદ યજ્ઞક્રિયા બારમતીપંથની વિધિ પીરશ્રી નારાણદેવ લાલણનાં આસને યોજાઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સમાજનાં પ્રથમ મહિલા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કે.મહેશ્વરીએ આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં એકતા અને સદભાવનાનાં દર્શન કરાવે છે તેવું જણાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો.આ વણજયજ્ઞમાં કચ્છ રાજવી પ્રાગમલજી ત્રીજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રાસંગિક ઉદ્દબોદનમાં જણાવ્યું હતું કે આ પ્રકારનાં આયોજનથી સમાજમાં ધાર્મિક વૃત્તિની પ્રબળતા વધી છે અને સમાજ મજબૂત બન્યો છે તેમજ આયોજનન બિરદાવતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ ઇતિહાસ પરિષદનાં પ્રમુખશ્રી સાવજસિંહજી જાડેજાએ માતંગદેવ અને જાડેજાવંશનાં સબધોનાં ઇતિહાસનું વર્ણન કર્યું હતું.
આ યજ્ઞમાં રાજસ્થાનથી રાજવી પરિવારનાં દેવિસિંહજી ઠાકોર ઉપરાંત બરાયા (મુન્દ્રા)નાં જામ મહેન્દ્રસિંહજી, તેરા જાગીરનાં મયૂરધ્વજસિંહજી ઠાકોર, નલિયાનાં ઇન્દ્રજિતસિંહજી જાડેજા પધાર્યા હતા. આ પ્રસંગે શ્રી નરેશભાઈ એન.મહેશ્વરી, (પ્રમુખશ્રી – કચ્છ જિલ્લા કોંગ્રેસ), અશોકભાઈ હાથી (ભુજ નગરપતિ), નરેશભાઈ કે.મહેશ્વરી (ચેરમેન-સા.ન્યા.સમિતિ, કચ્છ જિલ્લા પંચાયત), માવજીભાઈ મહેશ્વરી, ગોવિંદભાઇ વાણિયા, પચાણભાઇ સંજોટ, માલશીભાઈ માતંગ વગેરે સમાજનાં સામાજિક, રાજકીય તેમજ સરકારી હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્દબોદન કર્યું હતું. વણજ યજ્ઞ સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા પ્રેમજીભાઈ પાતારીયા, નારાણભાઇ બળિયા, નાગશીભાઈ ફફલ, ડાયાભાઇ મહેશ્વરી, મુરજીભાઈ આયડી, કમાભાઈ સીજુ, રામજીભાઈ પાતારીયા, મોહનભાઇ આયડી, મનજીભાઇ વિંઝોડાં, ભીમજીભાઈ ફફલ સહિતનાં અગ્રણીઓ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નાગશીભાઈ ફફલ અને આભારવિધિ પ્રેમજીભાઈ પાતારીયાએ કરી હતી.