લુણંગધામ (લુણી) ખાતે વાર્ષિક મેળા અને ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સમાજ ઉત્કર્ષ:મુન્દ્રા તાલુકાનાં લૂણી ગામ મધ્યે આવેલ પ.પૂ.શ્રી લુણંગદેવ સ્થાનક (શ્રી લુણંગધામ) ખાતે વાર્ષિકયાત્રા તથા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચૈત્ર સુદ ત્રીજ, તા.૧૯ માર્ચ (સોમવાર)નાં રોજ દર્શન અને યાત્રા, મહાઆરતી તથા સમૂહપ્રસાદ, રાત્રે તેજસ્વી તારલાઓ, દાતાશ્રીઓ તેમજ મહાનુભાવોઓનું સન્માન, ધજા, કળશ અને હિંડોળાનો ચડાવો અને જ્ઞાનવાણી અને બીજા દિવસે ચૈત્ર સુદ ચોથ તા. ૨૦ માર્ચનાં સવારે સામૈયું, ધ્વજારોહણ અને કળશ સ્થાપનાં તેમજ હિંડોળા દર્શન અને ભેટ અર્પણ સહિતની ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોરંજનનાં સંસાધનો, લાંબી બજારો અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા આ મેળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, હાલાર તેમજ વિવિધ પ્રદેશોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા તેમજ પરંપરા મુજબ સેંકડોની સંખ્યામાં નવદંપતીઓએ યાત્રા કરી લુણંગદાદાનાં આશીર્વાદ મેળવ્યા હતા.

આ યાત્રાનું શુભારંભ મહાઆરતીથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ વિસ્તારનાં ધારાસભ્યશ્રી શ્રીમતી માલતીબેન કે.મહેશ્વરી, નરેશભાઈ કે.મહેશ્વરી (જિલ્લા પંચાયત સામાજિક ન્યા.ચેરમેન), ભુજ નગરપતિશ્રી અશોકભાઈ હાથી, સામાજિક આગેવાનશ્રી જે.પી.મહેશ્વરી, ગાંધીધામ વિસ્તારનાં કાઉન્સિલરશ્રી ચંદ્રિકાબેન દાફડા, સુનીતાબેન સહિતનાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં ધ્વજારોહણનો ચડાવો શ્રી સુરેશભાઈ ગરવા (કાઉન્સિલર-ગાંધીધામ), કળશ સ્થાપનાનો ચડાવો શ્રી ભાણજીભાઇ ધારશીભાઇ સુંઢા (દેશલપર-કંઠી), હિંડોળા દર્શનનો ચડાવો ડો.મંથન ફફલ (મુન્દ્રા)એ લીધો હતો. આ પ્રસંગે જે.પી.મહેશ્વરીએ લુણંગધામ ખાતે આવેલ હાઇસ્કૂલ માટે રૂપિયા બે લાખ એકાવન હજાર તેમજ અશોકભાઈ નંજાર અને રવિભાઈ દનીચાએ રૂપિયા એકાવન હજાર દાન સ્વરૂપે આપ્યા હતા. હાલમાં અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ દ્વારા અહીં શૈક્ષણિક સંકુલ, સ્કુલ, બાળકો માટે રમણીય બગીચો, બારમતીપંથની વિવિધ પ્રસંગો દર્શાવતી ઝાંખીઓનું સમાવેશ સુંદર મ્યુઝિયમ તેમજ અન્ય વિકાસને કામો કરવામાં આવ્યા છે જેથી અહીં વર્ષભર અહીં દર્શનાર્થીઓની અવરજર થતી રહે છે.

આ મેળામાં સમૂહપ્રસાદનાં દાતા તરીકે માતૃશ્રી ખીમઈબેન કરશન ખાંખલા પરિવાર અને નારાણભાઇ બળિયા, સન્માનપત્ર અને મોમેન્ટનાં દાતા તરીકે કમલેશભાઈ સોધમ તથા સુરેશભાઈ ફફલ તેમજ શામજીભાઈ સોધમ, મીઠુભાઇ મહેશ્વરી, મંગલભાઈ ફમા તેમજ અર્જુનભાઈ દનીચાએ જાહેરાત, બેનર તેમજ પત્રિકા માટે સહયોગ આપ્યો હતો. સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત નિઃશુલ્ક સેવા પુરી પાડનાર સંસ્થા તથા વ્યક્તિઓને પણ સન્માનવામાં આવ્યા હતા.આ પ્રસંગે લુણંગધામ શાળાનાં આચાર્યશ્રી વાલજીભાઇ મેઘાણીનાં માર્ગદર્શન હેઠળ લુણંગધામ છાત્રાલયનાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે અખિલ કચ્છ ગણેશ સેવક સંઘનાં પ્રમુખશ્રી કિશોરભાઈ પિંગોલે સમગ્ર વર્ષમાં થયેલ વિકાસકામોની માહિતી આપી તેમજ લાભપાંચમનાં સંઘ દ્વારા સમૂહ લગ્ન યોજાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે આ ધાર્મિક અને શૈક્ષણિક ધામનાં વિકાસમાં વધુમાં વધુ સહયોગની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનજીભાઇ વિસરીયા, લક્ષમણભાઇ થારુ તથા કિશોરભાઈ ફફલે કર્યું હતું. આ મેળાનું સમગ્ર આયોજન ટ્રસ્ટ્ના મહામંત્રીશ્રી એલ.વી.ફફલસાહેબ, ભચુભાઇ પિંગોલ, મનોજભાઈ વિંઝોડાં, ધર્મેન્દ્રભાઈ ગરવા, માલશીભાઈ દનિચા, લુણંગધામ શૈક્ષણિક સંકુલનાં ગૃહપતિ શ્રી મણિલાલ દાફડાએ સંભાળ્યું હતું. આ મેળા દરમિયાન સંસ્થાના ખજાનચીશ્રી ખેતશીભાઈ નંજાર, એડ.લક્ષ્મીચંદભાઈ ફફલ, મુરજીભાઈ પિંગલસુર, ભરતભાઈ આયડી, જીવનભાઈ વિંઝોડાં અને રમેશભાઈ ગુરીએ વ્યવસ્થા સંભાળી હતી. આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ, આરોગ્ય સેવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા અદાણી હોસ્પિટલનાં ડોક્ટર તેમજ સ્ટાફ, ફાયર સેફટી માટે અદાણીનાં અગ્નિશામક સાધનો અને સ્ટાફ, પાણી પુરવઠા પી.ડબ્લ્યુ.ડી,અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ દ્વારા તમામ સહભાગીઓ પીજીવીસીએલ વગેરે પૂરતો સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *